Wednesday, November 23, 2022

સપ્તપદી ના ૭ વચનો : સફળ લગ્નજીવનની સુવર્ણચાવી | 7 promises of Hindu Marriage

લગ્ન એતો જીવનભર સાથ નિભાવવા માટેનું બંધન છે. લગ્ન એક એવો સંબંધ છે જેમાં બે વ્યક્તિ સાથે બે પરીવાર પણ એકબીજા સાથે જોડાય છે. આપણા સમાજમાં લગ્ન ધામધૂમથી અને અનેક રીત રીવાજો સાથે કરવામાં આવે છે. પતિ અને પત્ની જયારે લગ્ન સમયે, સપ્તપદીના સાત પગલાં સાથે માંડી જે સાત વચનો લે છે,એ જ એમના લગ્નજીવનનો આધાર છે.પતિ અને પત્નીમાં શું વધુ જરૂરી છે,માત્ર દેખાવ?ના,દેખાવ થી પણ વધુ જરૂરી પ્રેમ અને વિશ્વાસ છે.એકબીજાને સમજવાની સંપૂર્ણ તૈયારી,એકબીજાના સુખ અને દુઃખમાં સંપૂર્ણ સાથ,એકબીજાના અવગુણો સાથેનો સ્વીકાર, એકબીજાના સ્વમાનની રક્ષા કરવી, એકબીજાના ગમા અણગમા,પસંદ નાપસંદનું ધ્યાન રાખવું, વગેરે વગેરે. ઘરને એક મંદિર બનાવવા માટે આરસ અને ઈંટ એટલે કે, સ્ત્રી અને પુરુષ બંનેની જરુર પડે છે અને આં મંદિરનું વાતાવરણ પવિત્ર બનાવવા માટે પ્રેમના પુષ્પો,આનંદની ધૂપસળી,અને શ્રદ્ધાનો દીવડો પ્રગટાવવાની જરૂર હોય છે. 

પ્રેમ તણા મંદિરમાં શ્રદ્ધાનો દીવડો, 
જલતો રહે તો શીદ દુઃખી થાય જીવડો

હિંદૂ ધર્મમાં લગ્ન સમયે વર અને કન્યા સપ્તપદીના વચન લે છે. આ વચન વિશે તો સૌ કોઈ જાણે છે પરંતુ ચાલો આજે આ સાત વચનો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ જાણીએ કે સપ્તપદીના સાત વચન કયા કયા છે.

પ્રથમ વચનઃ
પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ ગત જન્મમાં મેં કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે મને તમે આજન્મમાં પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

બીજું વચનઃ
સપ્‍તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે.

ત્રીજું વચનઃ
ત્રીજા વચનમાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે. પત્ની પતીને વચન આપે છે કે હું હંમેશા આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનો આપને બનાવી આપીશ.

ચોથું વચનઃ
ચોથા વચનમાં પત્ની વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચાર-વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

પાંચમું વચનઃ
પાંચમાં વચનમાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

છઠ્ઠુ વચનઃ
સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સાતમું વચનઃ
સાતમા વચનમાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

No comments

Post a Comment

Powered by Blogger.